Friday, August 25, 2017

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને તહસનહેસ કરી દીધો. જાડેજાને ભાભીએ કહેલા કડવા વેણ યાદ રહી ગયાં અને જે કહ્યું એ કરી બતાવવા માટે નિકળી પડ્યો.

અર્ધી રાત વીતી ગઈ હતી. ચારે તરફ સોંપો પડી ગયો હતો. છતા સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને ત્યાં પાટની પૂજનવિધિ પ્રસંગે ભજનમંડળી જામેલી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજુ ભજન ચાલુ જ રહેતુ હતુ.

સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી. તોરી ધોડીની ખ્યાતિની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી. જેસલે આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો. એટલા માટેજ લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સોસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યો હતો.

આવતા વેંતજ જેસલ કાઠીરાજની ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતાજ ચમકી અને ઉછળતી, કૂદતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી.ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાંસના ઢગલા નીચે છુપાઈ ગયો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બન્યુ એવુ કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીન મહીં પેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલાથી વીંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો. આમ છતા પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સીસકારો સુદ્ધા ન નીકળ્યો અને મૂંગો જ પડ્યો રહ્યો.

આ તરફ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો. પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછીતો શોધખોળ ચાલી.

એટલામાં ઘોડીએ ફરીથી નાચ-કૂદ શરૂ કરી દીધી. ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. અંદર આવીને જોયું તો ખીલાથી વીંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને જોયો. લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. જેસલ ખીલો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી. ખીલો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો.

કાઠીરાજે હથેળી સોંસરવો ખીલો જતો રહ્યો હોવા છતા ઉંહકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું કે હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે ‘તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? ‘તો જા એ તારી’ એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતા કહ્યું કે હું તો તમારી તોરી ધોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ? તો ધોડી પણ તમારી. ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાને આમ એક જ રાતમાં તોરી ધોડી અને તોરલ રાણી મળી ગઈ.

તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો. રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું. આ ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પાણી પીવડાવ્યું. ધ્રોળ(જામનગર જિલ્લો) નજીક આજે પણ જેસલ-તોરલનું સ્થાનક છે જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા. બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા. ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યુ. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વહાણ ડોલમડોલ થવા લાગ્યું. અચાનક પલટાયેલો માહોલ જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠી હતી. એના મુખ પર કોઈ ભય ન હતો પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી સતી છે. એનામા જેસલને દૈવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરવા માંડી. તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો આવી ગયો અને તેનો હદય પલટો થઈ ગયો.

જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધુ અભિમાન ઓગળી ગયું. મોતથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જે ફિલોસોફી લાધી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે જે આપણે લઈ શકીએ છીએ આપણી જિંદગી ઉજાળવા માટે.

આજથી પાંચસો વર્ષ પહેલા કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટિયો હતો. કચ્છ-અંજાર એનું નિવાસસ્થાન હતું.અંજાર બહારના આંબલીયોના કિલ્લા જેવા ઝુંડથી એનું રક્ષણ થતુ હતુ. જેસલ રાઉ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કીડાણું ગામ એને ગરાસમાં મળ્યુ હતુ પણ ગરાસના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટિયો સતી તોરલના સંગાથથી આગળ જતા જેસલપીરના નામે પ્રખ્યાત થયો.

એ સમયે હાલનું અંજાર સાત જુદા જુદા વાસમાં વહેંચાયેલુ હતુ. સાતે વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાતા. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળીઉં એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. એનું તોરણ વિક્રમ સંવત ૧૦૬`માં કાઠી લોકોએ બાંધ્યુ હતુ. એ વાસનો ઝાંપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં હતો. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબલિયોના ઝુંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ અતિ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી. મારફાડ અને લૂંટફાટ એ એનો ધંધો હતો. એણે એટલા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર ન હતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો હતો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો હતો.

એક વખત જેસલની ગેરહાજરીમાં એમને ત્યાં એક સંતમંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સધીર નામના મોદી વેપારીની દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીનો ઉચિત સત્કાર કર્યો.

રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની સાન ઠેકાણે આવી અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો.

એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા એમ મેવાડમાં રાવળ માલદેવ અને રાણી રૂપાંદેની ગણના થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાંદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતુ. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપાંરાણીને આવેલા જોઈને તોરલે જેસલને જગાડવા એકતારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ ત્રણ દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્નમંડપ રચાયો. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એક બીજાની સોડમાં બે સમાધિઓ તૈયાર કરાવીને ધરતીની ગોદમાં સમાઈ ગયા.

કચ્છમાં કહેવાય છે કે આ બે સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યાર પ્રલય જેવો કોઈ બનાવ બનશે.

– સૌરાષ્ટ્રની રસઘાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો

માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા .....

કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાત ધર્મસ્થળ છે. અહીં બિરાજતાં દેશદેવી માઁ આશાપુરાના દર્શને લાખ્ખો ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. માઁ આશાપુરાના સ્થાપન, પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેર જણાવે છે કે, મંદિરમાં રહેલી માઁની આ મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઈ હતી. મઢમાં માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રવર્તે છે.

કહેવાય છે કે, કચ્છની ધનીયાણી માં આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વરસ પહેલા હતું. દેવચંદ નામે મારવાડનો એક વૈશ્ય (જૈન વાણીયા) વેપાર અર્થે કચ્છ આવેલ હતો. વેપાર માટે કચ્છ આવેલા વેપારી વાણીયો કચ્છની ધરા પર ફરી રહ્યો હતો. ફરતા ફરતા વેપારી વાણીયો કચ્છની તે જગ્યાએ આવી પહોંચે છે જ્યાં આજ તાજેતરમા આશાપુરા માતાજી બિરાજમાન છે. વેપારી ત્યા પહોંચ્યા ત્યારે આસો મહિનાનો નવરાત્રીનો સમય ચાલતો હોવાથી વેપારી વાણીયાયે તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિભાવપુર્વક માતાજીની આરાધના કરવા લાગે છે.

માતાજીની સ્થાપના કરી દેવચંદ વેપારી વાણીયો આખો દિવસ માતાજીની ભકિત કરવામા લીન રહે છે, માતાજી વેપારી દેવચંદ વાણીયાની ભકિત આરાધના જોઈ પ્રસન્ન થાય છે અને વાણીયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે.., દિકરા હું તારો ભક્તિભાવથી ખુશ થઈ તને દર્શન આપવા આવી છું, અને જે જગ્યા પર મારી રોજ પુજા-ભકિત કરે છે, એજ જગ્યા પર મારૂ મંદિર બનાવી મારી પુજા-ભકિત કરજે, પરંતુ મારુ મંદિર બનાવ્યા બાદ છ મહીના સુધી મંદિરના દ્વાર ઉઘાડતો નહી. વેપારી દેવચંદ સ્વપ્નમાં માતાજીના દર્શન થતા ખુશ ખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગે છે.

વેપારી વાણીયો માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી, પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે, મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો, એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે. મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણિયો માતાજીએ કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે, મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણીયાને અલૌકિક અહેસાસ થાય છે, માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવી માઁ ની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે.

વેપારી વાણીયા માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી કે, તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી, માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું., પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. દેવીએ વેપારી વાણીયાને વરદાન માંગવા કહ્યું.., વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી, માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણીયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું.

ભાસે ભલેને તારા રૂપ અધૂરાં, કામ સવાયા કીધાં,
અધીર વણિક ની સાંભળી ને પ્રાર્થના, દેવળ દર્શન દીધાં,
સ્વયંભૂ માડી તુંતો પાષાણે પ્રગટી, જગ આખા માં ઓળખાણી..!!

માઁએ એની આશાપુરી કરી અને તેમને પુત્રરત્ન પ્રાપ્ત થયો એટલે આશાપુરી કહેવાયા માતાની મૂર્તી સાત ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરિર છે તથા સાત આંખવાળી છે. અનેક ભક્તોની આશા પુરી કરી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે સમગ્ર ગુજરાત રાજસ્થાન સહિત દેશમા જાણીતું છે.

બીજી દંતકથા પ્રમાણે સીંધમાં સુમરાનું રાજ હતું. જે કાબુ લુંટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો, જેમની સામે જામ લાખીયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલા જેમના ભાયાત જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતાં. તેમને માઁ આશાપુરા સ્વપ્ને આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળીયા એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું જામ ભારમલ રાજપુત હતા તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમને સાપ અને નોળીયો એક સાથે જોવા મળ્યા જામ ભારમલે ત્યાં પડાવ નાખ્યો ત્રણ દિવસ પછી માઁ આશાપુરા પ્રગટ થયા અને તેમને ધૂળનો ધુપ કરવા જણાવ્યું બાદમાં માઁ એ આશિર્વાદ આપ્યા કે હું તારી કૂળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કૂળદેવી છે.

૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.

હાલ અંહી રાજાબાવા યોગેન્દ્રસિંહજી ગાદીપતી તરીકે છે અને સવાર સાંજની આરતીથી માંડીને તમામ વહીવટ તેના નેજા હેઠળ,થાય છે. તેમજ પૂરાણોમાં ઉલ્લેખ છે કે, નારાયણ સરોવર-કોટેશ્વર જતી વખતે ભગવાન રામ ખુદ અહીં રોકાયેલાં અહીં 9 દિવસ સુધી માતાની પૂજા કરેલી. એક અન્ય કથા પણ પ્રવર્તે છે કે, જેમાં સિંધના બાદશાહ ગુલામશા કલોરાએ મંદિર પર હુમલો કરેલો પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું. આ કાપાલિક ભક્તોનું નામ અપભ્રંશ થઈ આજે કાપડી તરીકે ઓળખાય છે.

નવરાત્રિ દરમ્યાન સાતમ આઠમના પર્વે કચ્છના મહારાવ ચાચરકુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પતરી ચઢાવે છે. આ એક વિશિષ્ટ પૂજા છે. નવરાત્રીના નવ દિવસ અહીં ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે. જેમાં ગાયકવૃંદ પણ મઢના લોકો જ હોય છે. માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરી રહ્યાં છે. એટલે જ વર્ષોવર્ષ માઈભક્તોની સંખ્યા વિસ્તરતી રહી છે.

જાડેજા ભગીરથસિંહ છત્રપાલસિંહ ના સૌને જય માતાજી

શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ

શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ .....

શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ.

★ આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે.

★ ખાસ કરીને કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુત –પ્રેતાત્માથી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભુત -પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે અને હનુમાનની મુર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે.વળી, મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતાં અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભુત-પ્રેત કાયમ માટે નાસી જાય છે. સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રધ્ધાળુઓનું કષ્ટ હરવા માટે થઇ છે.

👉 આવો જાણીએ આ મંદિરની મુર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ

★  સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું.

★ આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ. સ્વામી ગોપાલાનંદે વાધા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય.

ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫(ઇ.સ.૧૮૫૦) ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ. ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.

★ ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો, પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી. તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તી ને ધ્રુજતી બંધ કરો. ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.

⚜ સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું. વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. તો ચાલો જાણીયે આ મંદિરની વિષેસતા વિષે.

★આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.

★ બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.

★ મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.