Friday, August 25, 2017

હિંગળાજ માતા

શ્રી હિંગળાજ માતાજી .....
બલૂચિસ્તાન

➡ હિંગલાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી 250 કિ.મી. ઉત્તર-પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા (તહસીલ)માં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગલાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે.

➡ એક લોકગાથા અનુસાર ચારણો અને ક્ષત્રિયો ની પ્રથમ કુલદેવી હિંગલાજ માતા હતાં, જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગલાજ નામ ઉપરાંત હિંગલાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગલાજ દેવી સાથે સંબંધિત છંદ અને ગીત અવશ્ય મળી આવે છે. પ્રસિદ્ધ છે કે સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓનો રાત્રીના સમયમાં રાસ રચાય છે અને પ્રાત:કાળે સૌ શક્તિઓ ભગવતી હિંગલાજના ગઢમાં આવી જાય છે,

➡ એવું કહેવામાં આવે છે કે, હિન્દુ ગંગાજળમાં સ્નાન કરે કે પછી અયોધ્યા જાય કે ઉત્તરી ભારતના મંદિરોમાં જઇને પૂજા-અર્ચના કરે. જો તેમણે હિંગળાજની યાત્રા નથી કરી તો તેમની તીર્થ યાત્રા અધૂરી છે. હિંગળાજ માતાના મંદિરે દર વર્ષે માર્ચમાં(હિંગળાજ માતાની જયંતી નિમિતે) હજારો હિન્દુઓ પહોંચે છે અને ત્રણ દિવસ સુધી તપ કરે છે. મંદિરના આ વર્ષીય મેળામાં અહી હિન્દૂ અને મુસ્લિમ બંન્ને સામેલ થાય છે. માતાનું આ એક માત્ર એવું શક્તિપીઠ જેની પૂજા મુસલમાન પણ કરે છે.

➡ પુરાણો મુજબ એવું કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું આ માટે આ સ્થાનને ચમત્કારી અને દિવ્ય માનવામાં આવે છે. અહીના સ્થાનિય લોકો હિંગળાજ માતા મંદિરને શ્રદ્ધાથી “નાનીનું હજ”,” નાનીનું મંદિર” કહે છે. નાનીનો અર્થ અહીં ઈરાનની દેવી અનાહિતાથી છે. એવું કહેવામાં આવે છે કે, માતાના દર્શન માટે ગુરૂનાનક દેવ પણ અહીં આવ્યા હતા.

➡ કરાચીથી 250 કિલોમીટર દૂર ક્વેટા-કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ કલાકના અંતરે આ મંદિર આવેલું છે. ઉત્તર-પશ્ચિમમાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકો મકરાનાના તટીય વિસ્તારમાં સ્થિત છે. આ સિધ્ધ પીઠની યાત્રા માટે બે માર્ગ છે એક પહાડી અને બીજ મરુસ્થળી. આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળ છે, જેની નજીક ચંદ્રકૂપ પર્વત આવેલો છે. ચંદ્રકૂપ તથા હિંગોળ નદીની મધ્ય લગભગ 15 માઈલનુ અંતર છે. મંદિરની પરિક્રમામાં ગુફા પણ છે. યાત્રી ગુફાના એક માર્ગમાં પ્રવેશતા બીજી તરફથી નિકળાય છે. આ સ્થાન પર જઇને હિન્દુ અને મુસલમાન બધા જ લોકોનો હિન્દુ મુસલમાનનો ભેદભાવ ભુલી જાય છે. બંન્ને જ ધર્મના લોકો પૂર્ણ ભક્તિ ભાવ સાથે માતાની પૂજા કરે છે. માતાનું આ મંદિર હિંગળાજ દેવી શક્તિપીઠના નામથી પણ ઓળખવામાં આવે છે.

👉 મંદિર સાથે જોડાયેલી માન્યતાઓઃ-

➡ હિંગળાજ દેવી શક્તિપીઠ વિષયમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ એક વાર માતા હિંગળાજના દર્શન કરી લે છે. તેને પૂર્વજન્મના કર્મોનો દંડ ભોગવવા પડતા નથી. એવી માન્યતા છે કે, પરશુરામજી દ્વારા 21 વાર ક્ષત્રિયોનો અંત કર્યા પછી બચેલા ક્ષત્રિયોએ માતા હિંગળાજ પાસે પ્રાણ રક્ષાની પ્રાર્થના કરી. માતાએ ક્ષત્રિયોને બ્રહ્મક્ષત્રિય બનાવી દીધા. જેનાથી પરશુરામથી તેમને અભય દાન પ્રાપ્ત થયું.

➡ એક માન્યતા એવી પણ છે કે, રાવણના વધ પછી ભગવાન રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યુ હતું. આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામે પણ હિંગળાજ દેવીની યાત્રા કરી હતી. રામે અહીં એક યજ્ઞ પણ કર્યો હતો. માતા હિંગળાજ માતા વૈષ્ણોંની જેમ એક ગુફામાં જ બિરાજમાન છે.

👉 કેવી છે આ યાત્રાઃ-

હિંગળાજ માતાના મંદિર જવા માટે પાસપોર્ટ અને વીઝા જરૂરી છે. હિંગળાજની યાત્રા કરાચીથી પ્રારંભ થાય છે. કરાચીથી લગભગ 10 કિલોમીટર દૂર હોવ નામની નદી છે. મુખ્ય યાત્રા અહીંથી જ શરૂ થાય છે. હિંગળાજ જતા પહેલાં લાસબેલામાં માતાની મૂર્તિના દર્શન કરવાના હોય છે. આ દર્શન છડીવાળા પુરોહિત કરાવે છે. ત્યાંથી શિવકુંડ જવામાં આવે છે, જ્યાં પોતાના પાપની ઘોષણા કરીને નારિયેળ અર્પણ કરવામાં આવે છે. જેમની પાપ મુક્તિ થઇ ગઇ અને દરબારની આજ્ઞા મળી ગઈ, તેમનું નારિયેળ અને ભેટ સ્વીકાર થઇ જાય છે.

➡ ચંદ્રકૂપઃ-હિંગળાજને આગ્નેય શક્તિપીઠ તીર્થ પણ કહેવાય છે કારણ કે, ત્યાં જતા પહેલાં આગ છોડતા ચંદ્રકૂપ પર યાત્રીએ જોર-જોરથી પોતાના ગુપ્ત પાપોનું વિવરણ આપવું પડે છે. સાથે જ, ભવિષ્યમાં તે પાપને બીજીવાર ન કરવાનું વચન પણ લેવું પડે છે. જે વ્યક્તિ પોતાના પાપને સંતાડે છે, તેઓને આગળ જવાની આજ્ઞા નથી મળતી અને તે વ્યક્તિઓને છોડીને બાકીના યાત્રીઓ આગળ વધે છે. ત્યાર પછી ચંદ્રકૂપ દરબારની આજ્ઞા મળે છે. ચંદ્રકૂપ તીર્થ પહાડોની વચ્ચે એક ધુમાડો છોડતો પહાડ પણ છે. ત્યાં વિશાળ સ્વરૂપમાં ધુમાડાઓના ગોળા નિકળતા રહે છે. આગ તો દેખાતી નથી, પરંતુ આ પહાડની અંદર જ્વાળામુખી છે.

➡ છેલ્લો પડાવઃ-માતાની ગુફાના છેલ્લાં પડાવ પર પહોંચીને યાત્રીઓ વિશ્રામ કરે છે. તેના પછીના દિવસે સૂર્યોદય પહેલા અધોર નદીમાં સ્નાન કરીને પૂજા સામગ્રી લઇને દર્શન કરવા માટે નિકળી પડે છે. નદીની બીજી બાજુ પર પહાડી પર માંતાની ગુફા છે. ગુફાની પાસે જ અતિમાનવીય શિવ્પ-કૌશલનો નમૂનો માતા હિંગળાજનું મહેલ છે, જે યજ્ઞ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે. હવા નહીં, પ્રકાશ નહીં, પરંતુ રંગીન પત્થાર લટકે છે આ મહેલમાં. મહેલનું ફર્શ પણ રંગ-બિરંગી છે. બે પહાડોની વચ્ચે પગદંડી. ક્યાંક ખજૂરના ઝાડ છે તો ક્યાંક વૃક્ષની ઝાડીઓ વચ્ચેથી નિકળીતી પાણીની ધાર. થોડા દાદરા ચડીને ગુફાની અંદર પહોંચી શકાય છે. આ વિશાલકાય ગુફાના છેલ્લા સ્તરે વેદી પર દીવો પ્રજવલિત છે. અહીં કોઇ મૂર્તિ નથી. માતાની ગુફાની બહાર વિશાળ શિલાખંડ પર, સૂર્ય-ચંદ્રમાની આકૃતિઓ અંકિત થયેલી છે. એવું કહેવામાં આવે છે કે, આ આકૃતિઓ રામે યજ્ઞ કર્યા પછી અંકિત કરી હતી.

Friday, July 14, 2017

હનુમાન ચાલીસા

                હનુમાન ચાલીસા

શ્રીગુરૂ ચરન સરોજ રજ નિજ મન મુકુરુ સુધારિ,
બરનઉ રઘુવર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.

શ્રી ગુરુદેવના ચરણકમળની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરીને, શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્નણ કરું છું, જે ચારેય ફળ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) આપનારું છે.

બુધ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર;
બલ બુધ્ધિ વિદ્યા દેહું મોહિં હરહુ કલેશ વિકાર.

હે પવનકુમાર ! હું પોતાને બુધ્ધિહીન સમજીને આપનું સ્મરણ કરું છું. આપ મને શારીરિક બળ, સદ્ બુધ્ધિ તથા જ્ઞાન પ્રદાન કરો અને મારાં સઘળાં દુઃખ દૂર કરો.

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર,
જય કપીસ તિહું લોક ઉજાગર. ૧

હે હનુમાનજી ! આપનો જય થાઓ ! આપ જ્ઞાન તથા ગુણોના સાગર છો. હે ત્રણે લોકમાં પ્રકાશમાન કપીશ્વર આપનો જય હો.

રામદૂત અતુલિત બલ ધામા,
અંજનીપુત્ર પવનસુત નામા. ૨

હે પવનસુત અંજનિનંદન, આપ શ્રી રામચન્દ્રજીના દૂત છો. આપના સમાન બીજું કોઈ બળવાન નથી.

મહાવીર બિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી. ૩

હે મહાવીર બજરંગબલી ! આપ ખરાબ બુધ્ધિને દૂર કરનારા અને સદ્ બુધ્ધિવાળાના સાથી છો.

કંચન બરન બિરાજ સુબેસા,
કાનન કુંડલ કુંચિત કેસા. ૪

આપનું શરીર સોના જેવા રંગનું છે, સુંદર વેશ છે, કાનોમાં કુંડળ છે અને શિર પર વાંકડિયા વાળ છે.

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે,
કાંધે મૂંજ જનેઉ છાજે. ૫

આપના હાથમાં વજ્ર અને ધજા સુશોભિત છે અને ખભા ઉપર મુંજની યજ્ઞોપવીત છે.

સંકર સુવન કેસરીનંદન,
તેજ પ્રતાપ મહા જગ વંદન. ૬

હે હનુમાનજી ! આપ સાક્ષાત્ શિવ છો. હે કેસરીનંદન ! આપના તેજ અને પ્રતાપથી સમસ્ત સંસારમાં આપ સર્વના વંદનીય છો.

વિદ્યાવાન ગુની અતિ ચાતુર્
રામ કાજ કરિબે કો આતુર. ૭

આપ પ્રકાંડ વિદ્યાનિધાન છો, ગુણવાન અને અત્યંત ચતુર છો. શ્રી રામજીનાં કાર્યો કરવામાં આપ ઉત્સાહી રહો છો.

પ્રભુ ચરિત્ર સુની બે કો રસિયા,
રામ લખન સીતા મન બસિયા. ૮

શ્રી રામનું ચરિત્ર સાંભળવાના આપ બહું રસિયા છો. શ્રી રામજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજીના મનમાં આપ નિવાસ કરો છો.

સુક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા,
બિકટ રૂપ ધરિ લંક જલાવા. ૯

આપે આપનું ઘણું નાનું સ્વરુપ ધારણ કરીને સીતાજીને બતાવ્યું અને ભયંકર રૂપ ધારણ કરીને લંકાને બાળી.

ભીમ રૂપ ધરી અસુર સંહારે,
શ્રી રામચંદ્ર કે કાજ સંવારે. ૧૦

આપે વિકરાળ રૂપ ધારણ કરીને રાક્ષસોને માર્યા અને શ્રી રામચન્દ્રજીના કાર્યને સફળ બનાવ્યું.

લાય સજીવન લખન જિયાયે,
શ્રી રઘુવીર હરષિ ઉર લાયે. ૧૧

આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીને જીવાડ્યા જેથી રઘુવીરે આનંદિત થઈને આપને હ્રદય સરસા ચાંપ્યા.

રઘુપતિ કીન્હ બહુત બડાઈ,
તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઈ. ૧૨

શ્રી રામચન્દ્રજીએ આપની બહુ પ્રશંસા કરી અને કહ્યું કે તમે મારા ભરત જેવા પ્રિય ભાઈ છો.

સહસ બદન તુમ્હરો યશ ગાવૈં,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં. ૧૩

“હજાર મુખેથી તમારો યશ ગાવો જોઈએ” એમ કહીને શ્રી રામચન્દ્રજીએ આપને ગળે લગાડ્યા.

સનકાદિક બ્રહ્માદિ મુનીસા,
નારદ શારદ સહિત અહીસા. ૧૪

જમ કુબેર દિગ્પાલ જહાં તે,
કબિ કોબિદ કહિ સકે કહાં તે. ૧૫

શ્રી સનક, શ્રી સનાતન, શ્રી સનંદન, શ્રી સનતકુમાર આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, નારદજી, સરસ્વતીજી, શેષનાગજી, યમરાજ, કુબેર આદિ સર્વ દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન, પંડિત અથવા કોઈ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરી શકે તેમ નથી.

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા,
રામ મિલાય રાજપદ દીન્હા. ૧૬

આપે સુગ્રીવજીનું શ્રી રામ સાથે મિલન કરાવ્યું અને ઉપકાર કર્યો, જેને કારણે તે રાજપદ પામ્યા.

તુમ્હરો મંત્ર બિભીષન માના,
લંકેશ્વર ભએ સબ જગ જાના. ૧૭

આપનો ઉપદેશ વિભીષણે માન્યો અને તેથી તે લંકાના રાજા થયા, સમસ્ત સંસાર એ જાણે છે.

જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ,
લિહ્યો તાહિ મધુર ફલ જાનૂ. ૧૮

સૂર્ય એટલો દૂર છે કે ત્યાં પહોંચવા માટે હજાર યુગનો સમય જાય, તે હજારો યોજન દૂર રહેલા સૂર્યને આપે એક મીઠું ફળ સમજીને પકડી લીધો.

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહીં,
જલધિ લાંધિ ગયે અચરજ નાહીં. ૧૯

આપે શ્રી રામચન્દ્રજીની અંગુઠી મુખમાં રાખીને સમુદ્રને ઓળંગી ગયા તેમાં કંઈ આશ્ર્ચર્ય નથી.

દુર્ગમ કાજ જગત કે જે તે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે. ૨૦

સંસારમાં જેટલાં પણ કઠિનમાં કઠિન કામ છે તે આપની કૃપાથી સહેલાં થઈ જાય છે.

રામ દુલારે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિન પૈસારે. ૨૧

શ્રી રામના આપ દ્વાર રક્ષક છો. જેમાં આપની આજ્ઞા વિના કોઈને પ્રવેશ મળી શકતો નથી. ( શ્રી રામની કૃપા પ્રાપ્ત કરવા માટે આપની પ્રસન્નતા આવશ્યક છે.)

સબ સુખ લહૈ તુમ્હારી સરના,
તુમ રચ્છક કાહૂ કો ડરના. ૨૨

જે કોઈ આપને શરણે આવે છે તે બધા સુખના અધિકારી છે, જ્યાં આપ રક્ષક છો, તો પછી કોઈનો ડર રહેતો નથી.

આપન તેજ સમ્હારો આપૈ,
તીનોં લોક હાંક તેં કાંપૈ. ૨૩

આપના સિવાય આપનો વેગ કોઈ રોકી શકે તેમ નથી, આપની ગર્જનાથી ત્રણે લોક કંપી ઊઠે છે.

ભૂત પિસાચ નિકટ નહીં આવૈ,
મહાબીર જબ નામ સુનાવૈ. ૨૪

જ્યાં મહાવીર હનુમાનજીનું નામસમરણ થતું હોય ત્યાં કદીય ભૂત પિશાચ આદિ નજીક આવી શકતાં નથી.

નાસૈ રોગ હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા. ૨૫

વીર હનુમાનજી ! આપનો નિરંતર જપ કરવાથી બધા રોગ દૂર થાય છે અને બધાં દુઃખ – કષ્ટો નાશ પામે છે.

સંકટ તે હનુમામન છુડાવૈ,
મન કર્મ વચન ધ્યાન જો લાવૈ. ૨૬

હે હનુમાનજી ! મનથી, વચનથી અને કર્મથી જેનું ધ્યાન આપનામાં રહે છે, તેને બધાં સંકટોમાંથી આપ છોડાવો છો.

સબ પર રામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા. ૨૭

તપસ્વી એવા રાજવી શ્રી રામ સૌથી શ્રેષ્ઠ છે, તેમનાં બધાં કાર્ય તમે સહજમાં કરી દીધાં.

ઔર મનોરથ જો કોઈ લાવૈ,
સોઈ અમિત જીવન ફલ પાવૈ. ૨૮

જેના ઉપર આપની કૃપા હોય તેની કોઈ પણ અભિલાષા પૂર્ણ થાય છે. તેનું ફળ તેને મળે છે. તેને અસીમ જીવનફળ -મુક્તિ મળે છે.

ચારોં જુગ પરતાપ તુમ્હારા,
હૈ પરસિધ્ધ જગત ઉજિયારા. ૨૯

ચારે યુગો ( સત્ , દ્વાપર, ત્રેતા અને કલિ)માં આપનો પ્રતાપ ફેલાયેલ છે. આપના કીર્તિ – પ્રકાશ જગતને ઉજ્જ્વળ બનાવે છે.

સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે. ૩૦

હે હનુમાનજી ! આપ સાધુ – સંતના રક્ષક છો તથા દુષ્ટોને દંડ દેનાર છો. આપ શ્રી રામના અત્યંત લાડીલા પ્રિય પાત્ર છો.

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,
અસ બર દીન જાનકી માતા. ૩

આપને માતા જાનકીએ એવું વરદાન આપેલું છે કે આઠ સિધ્ધિ અને નવ નિધિ (સંપત્તિ) આપ જેને ઈચ્છો તેને આપી શકો છો.

રામ રસાયન તુમ્હરે પાસા,
સદા રહો રઘુપતિ કે દાસા. ૩૨

આપ નિરંતર શ્રી રામના શરણમાં રહો છો. જેથી અસાધ્ય રોગના નાશ માટેની રામનામ રૂપી ઔષધિ આપની પાસે છે.

તુમ્હરે ભજન રામ કો પાવૈ,
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ. ૩૩

આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે, જન્મ – જન્માંતરનાં દુઃખ દૂર થાય છે.

અંતકાલ રઘુબર પુર જાઈ,
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. ૩૪

અંત સમય શ્રી રઘુનાથજીના ધામમાં જાય છે અને જો ફરી જન્મ ધારણ કરશે તો ભક્તિ કરશે અને રામભક્ત કહેવાશે.

ઔર દેવતા ચિત્ત ન ધરઈ,
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ. ૩૫

હે હનુમાનજી ! આપની સેવા કરવાથી સર્વ પ્રકારનાં સુખ મળે છે, પછી બીજા કોઈ દેવતાનું હ્રદયમાં ધ્યાન ધરવાની આવશ્યક્તા રહેતી નથી.

સંકટ કટૈ મિટૈ સબ પીરા,
જો સુમિરે હનુમંત બલબીરા. ૩૬

જે કોઈ વીર હનુમાનજીનું સ્મરણ કરે છે તેની બધી વિપત્તિ નાસ પામે છે અને બધું દુઃખ મટી જાય છે.

જૈ જૈ જૈ હનુમાન ગુસાંઈ,
કૃપા કરહું ગુરૂ દેવ કી નાઈ. ૩૭

હે હનુમાનજી ! આપનો જય હો, આપ મારા મન તથા શરીરના સ્વામી છો. આપ મારા ઉપર કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.

જો સત બાર પાઠ કર કોઈ,
છૂટેહિ બંદી મહાસુખ હોઈ. ૩૮

જે કોઈ આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરે તો તેનાં બંધન છૂટી જાય છે અને તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે.

જો યહ પઢૈ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા. ૩૯

જે ભક્ત આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો તેને નિશ્ચય સફળતા મળશે, તેના સાક્ષી સાક્ષાત્ ભગવાન શંકર છે.

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હ્રદય મહં ડેરા. ૪૦

તુલસીદાસજી કહે છે કેઃ હે હનુમાનજી ! તુલસીદાસ હંમેશાં શ્રી રામનો દાસ છે, માટે આપ હંમેશાં એમના હ્રદયમાં નિવાસ કરો.

પવનતનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ,
રામ લક્ષ્મણ સીતા સહિત , હ્રદય બસહુ સુર ભુપ.

હે પવનપુત્ર હનુમાનજી ! આપ સંકટ દૂર કરનારા અને આનંદ મંગળના સ્વરુપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી સહિત અમારા હ્રદયમાં નિવાસ કરો.

Tuesday, May 9, 2017

મહારાણા પ્રતાપ

              આજનો દિન વિશેષ
                      મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.

એમનો જન્મ ૯ મે ૧૫૪૦ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો[૧][૨]. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોધલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમા ૧૭,૦૦૦ સૈનીકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણા પ્રતાપની હાલત દિન-પ્રતિદિન નબળી પડતી ગઈ. ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.

👉 શાસન કાળ :- ૧૫૬૮-૧૫૯૭

👉 જન્મ :- મે ૯, ૧૫૪૦

👉 જન્મ સ્થળ :- કુંભલગઢ, જુની કચેરી,
          પાલી, રાજસ્થાન

👉 અવસાન :- જાન્યુઆરી ૧૯, ૧૫૯૭
          (આયુ ૫૭ વર્ષ)

👉 પૂર્વગામી :- મહારાણા ઉદય સિંહ (બીજા)

👉 વંશ/ખાનદાન :- સૂર્યવંશી,રાજપુત

👉 પિતા :- મહારાણા ઉદય સિંહ (બીજા)

👉 માતા :- મહારાણી જીવંત બાઈ

👉 સંતાન :- ૩ પુત્રો અને ૨ પુત્રીઓ

👉 ધર્મ :- હિંદુ

👉 થોડુ વધારે પણ અગત્યનુ :-

જયપુરઃ 18 જૂન 1576માં મેવાડનાં રાજા મહારાણા પ્રતાપ અને મુઘલ સમ્રાટ અકબર વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. આ લડાઈમાં ન્હોતો અકબર જીત્યો અને નાં તો મહારાણા પ્રતાપ હાર્યા. ઘણા રાઉન્ડમાં થયેલા આ યુદ્ધમાં કહેવાય છે કે, અકબર મહારાણા પ્રતાપનું યુદ્ધ કૌશલ્યથી જોઈને ગભરાઈ ગયો હતો. બહુ ઓછા સૈનિકોનાં બળથી મહારાણા પ્રતાપે અકબરની સેનાનો જોરદાર સામનો કર્યો હતો. આ યુદ્ધની ભારતીય ઈતિહાસનાં મુખ્ય યુદ્ધમાં ગણતરી થાય છે.

હલ્દીઘાટીનો દરેક કણ મહારાણા પ્રતાપની સેનાની બહાદુરી, હિંમત અને બલિદાનની કથા કહે છે. યુદ્ધભૂમિની પરીક્ષાથી રાજપૂતોનાં કર્તવ્ય અને બહાદુરીનાં જુસ્સાની ઓળખાણ થઈ હતી. મેવાડનાં રાજા રાણા ઉદય સિંહ અને મહારાણી જયવંતા બાઈનાં પુત્ર મહારાણા પ્રતાપ સિસોદિયા વંશનાં એકલા એવા રાજપૂત રાજા હતા જેઓએ મુઘલ સમ્રાટ અકબરની આજ્ઞાંકિતતા અસ્વીકાર કરવાનું સાહસ કર્યું હતું અને જ્યા સુધી જીવંત રહ્યા અકબરને રાહતનો શ્વાસ ન લેવા દીધો.

મહારાણા પ્રતાપનો જન્મ કુંભલગઢનાં કિલ્લામાં થયો હતો. તેમનું બાળપણ ચિત્તોડમાં પસાર થયું. બાળપણથી નિડર, સાહસી અને ભાલો ચલાવવામાં કુશળ મહારાણા પ્રતાપે એક વાર તો જંગલમાં સિંહનો સામનો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમની માતૃભૂમિ મેવાડને અકબરનાં હાથે ન જવા દેવા માટે મહારાણા પ્રતાપે એક મોટી સેના તૈયાર કરી હતી, જેમાં મોટાભાગનાં ભીલ ફાઈટર્સ હતા. તેઓ ગેરિલા યુદ્ધમાં પારંગત હતા.

આ યુદ્ધમાં અંદાજે 18 હજાર સૈનિકો માર્યા ગયા. એટલું લોહી વહ્યું કે આ જગ્યાનું નામ 'રક્ત તલાઈ' પડી ગયું. મહારાણા પ્રતાપ વિરુદ્ધ આ યુદ્ધમાં અકબરની સેનાનું નેતૃત્વ સેનાપતિ માનસિંહ કરી રહ્યા હતા. જે હાથી પર સવાર હતા. મહારાણા તેમના બહાદુર ઘોડા ચેતક પર સવાર થઈને યુદ્ધભૂમિમાં આવ્યા હતા, કહેવાય છે કે આ ઘોડો બહુ ઝડપથી દોડતો હતો.

અકબરની ફોજ મોટી અને મજબૂત હોવાની સાથે તેની પાસે તે સમયનાં દરેક આધુનિક શસ્ત્રો હતા. જ્યારે, મહારાણા પ્રતાપની સેના સંખ્યામાં ઓછી હતી અને તેની પાસે ઘોડાની સંખ્યા વધારે હતી. અકબરની સેના ગોકુંડા સુધી પહોંચવાની તૈયારીમાં હતી. હલ્દીઘાટી પાસે જ ખુલ્લામાં તેણે તેનાં કેમ્પ લગાવી દીધા હતા. મહારાણા પ્રતાપની સેનાએ ગેરિલા પદ્ધતિથી યુદ્ધ કરીને અકબરની સેનામાં દોડધામ મચાવી દીધી. અકબરની મોટી સેનાં અંદાજે પાંચ કિલોમીટર પાછળ ખસી ગઈ. જ્યારે ખુલ્લા મેદાનમાં મહારાણા પ્રતાપ અને અકબરની સેના વચ્ચે પાંચ કલાક સુધી ભયંકર યુદ્ધ થયું.

મુઘલ સેનામાં હાથીઓની સંખ્યા વધારે હોવાનાં કારણે ચેતકનાં માથે હાથીનું મહોરું બાંધવામાં આવ્યું હતુ જેથી હાથીઓને ભરમાવી શકાય. કહેવાય છે કે, ચેતક પર સવાર મહારાણા પ્રતાપ એક બાદ એક દુશ્મનોનો સફાયો કરતા કરતા સેનાપતિ માનસિંહનાં હાથીની સામે પહોંચી ગયા હતા. તે હાથીની સૂંઢમાં તલવાર બાંધેલી હતી. મહારાણાએ ચેતકને એડી લગાવી અને તે સીધા માનસિંહનાં હાથીનાં માથે ચઢી ગયા. માનસિંહ નીચે છુપાઈ ગયો અને મહારાણાનાં હુમલાથી મહાવતનું મૃત્યુ થયું. હાથી પરથી ઉતરતા સમયે ચેતકનો એક પગ હાથીની સૂંઢમાં બંધાયેલી તલવારથી કપાઈ ગયો.મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તેનો એક પગ કપાયેલો હોવા છત્તા મહારાણાને સલામત જગ્યાએ લઈ જવા માટે ક્યાંય રોકાયા વગર પાંચ કિલોમીટર સુધી દોડ્યો. ઉપરાંત રસ્તામાં આવતા 100 મીટરનાં વરસાદી ઝરણાને પણ એક છલાંગમાં પાર કરી લીધુ રાણાને સલામત જગ્યાએ પહોંચાડ્યા બાદ જ ચેતકે તેનાં પ્રાણ છોડ્યા. જ્યા ચેતકે પ્રાણ છોડ્યા ત્યા હાલ ચેતકની સમાધી છે. યુદ્ધમાં વિજય ભલે અકબરનો થયો પરંતુ ઈતિહાસમાં નામ અમર થયું મહારાણા પ્રતાપની બહાદુરી, ચેતકની વફાદારી અને ઝાલામાનનાં બલિદાનનું.

આ યુદ્ધમાં તેનાં પ્રિયજનો, મિત્રો, સૈનિકો અને ચેતક ઘોડાને ગુમાવ્યા બાદ મહારાણા પ્રતાપે સંકલ્પ કર્યો હતો કે, તે જ્યા સુધી મેવાડ ફરી મેળવી નહીં લે ત્યા સુધી ઘાસની રોટલી ખાસે અને જમીન પર જ ઊંઘશે. તેનાં જીવનકાળમાં તેઓએ આ સંકલ્પ નિભાવ્યો અને અકબરની સેના સાથે યુદ્ધ કરતા રહ્યા. તે જીવંત રહ્યા ત્યા સુધી અકબર રાહતથી રહી ન શક્યો અને મેવાડને પોતાની હેઠળ ન કરી શક્યો. 59 વર્ષની ઉંમરે મહારાણા પ્રતાપે ચાવંડમાં અંતિમ શ્વાસ લીધા. મેવાડમાં આજે પણ કહેવાય છે કે પુત્ર હોય તો મહારાણા પ્રતાપ જેવો...

👉 જ્યારે દુશ્મનોથી ઘેરાઈ ગયા હતા મહારાણા પ્રતાપ

ચેતકનો એક પગ કપાઈ ગયા બાદ મહારાણા પ્રતાપ દુશ્મનની સેનાથી ઘેરાઈ ગયા હતા. મહારાણાને દુશ્મનોથી ઘેરાયેલા જોઈ સાદડી સરદાર ઝાલા માનસિંહ તેમનાં સુધી પહોંચી ગયો અને તેણે રાણાની પાઘડી અને છત્ર બળજબરીપૂર્વક પહેરી લધું. તેઓએ મહારાણાને કહ્યું કે, એક ઝાલાનાં મૃત્યુથી કંઈ નહીં થાય. જો તમે બચી જશો તો અન્ય ઘણા ઝાલા તૈયાર થઈ જશે. રાણાનું છત્ર અને પાઘડી પહેરેલા ઝાલાને મહારાણા સમજીને મુઘલ સેના તેની સાથે લડી અને મહારાણા પ્રતાપ બચીને નીકળી ગયા. ઝાલા માન વીરગતિ પામ્યા. તેનાં કારણે મહારાણા જીવંત રહ્યા.